પૂર્વજોની વિરાસત કે વંશજોની થાપણ? અમદાવાદના 600 વર્ષના નાશ પામતા જતા વારસા પર મનોમંથન

| Updated: September 9, 2021 12:12 pm

1411માં અહમદશાહ બાદશાહે સ્થાપના કર્યા બાદ એને અવનવી ઇમારતો, કલાત્મક મસ્જિદો, કપડાના વ્યાપારનું મથક તથા જગપ્રસિદ્ધ સ્થાપત્ય અને પોળ સંસ્કૃતિનું કેન્દ્ર બનાવી દીધું. આજે, 610 વર્ષ પછી એના મકબરાના હાલ જોઈને બાદશાહની રૂહ બેચેન થઇ જશે. 

1860 ના દાયકામાં બનેલા બાદશાહના હજીરામાં જેવા પ્રવેશો એવું તરત તમને કશીક ગંધ આવે – શબ્દાર્થમાં અને આલંકારિક બને રીતે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનું કમ્પાઉન્ડ ટુ-વ્હીલર્સ, હાથલારીઓ અને રિક્ષાઓનું પાર્કિંગ બની ગયું છે એટલું જ નહિ કચરો ફેંકવાની જગ્યા પણ.બાદશાહની કલાત્મક મજારના દરવાજે થોડા ભલાભોળા બકરા પણ ઉભા હતા. 

આગળની કહાની તો એથી વધુ પીડાદાયક છે. બાદશાહની રાણીઓની આંખો, પોતાની કબરની જગ્યાને એક સ્ટોરરૂમમાં પરિવર્તિત થયેલી જોઈને, આશ્ચર્યથી પહોળી થઇ જાય. માણેક ચોકના રાણીના હજીરામાં પ્રવેશો તે પહેલા એના પગથિયાં પર પાર્ક કરેલી સાયકલ તમારું સ્વાગત કરે છે, તાર પર લટકતા કપડાં, ચારે બાજુ પથરાયેલા સુશોભનકામના અધૂરા નમૂના અને તેનો કાચો માલ અને કલાત્મક મિનારાને ઢાંકી દેતું લોખંડનું જૂનું કબાટ. બેઘર પરિવારનું અતિક્રમણ. આ છે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યાતા પ્રાપ્ત સ્મારકનો નજારો. 

બાદશાહનો હજીરા, અમદાવાદ

બાદશાહનો હજીરાની બહાર 50 વર્ષથી ધંધો કરતા એક વેપારીએ બળાપો કાઢ્યો “સબકો વાહ-વાહી ચાહિયે, કોઈ કરતા કુછ નહીં. હેરિટેજ ડિપાર્ટમેન્ટ (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) હોય કે સુન્ની વક્ફ બોર્ડ હોય; આ સ્મારકો માટે કોઈ કંઈ કરતું નથી. તે તેમની મોટી ગાડીઓ અને ચમકતી ઘડિયાળોમાં અહીં આવે છે અને મદદ કરવાના મોટા દાવાઓ કરીને અદૃશ્ય થઈ જાય છે. આપણે આપણી આંખ આગળ આ વારસાને મરતો જોઈએ છીએ” 

8 જુલાઈ 2017ના રોજ જયારે 600વર્ષ જુના આ શહેરને હેરિટેજ ટેગ આપવામાં આવ્યો હતો, ત્યારે પણ યુનેસ્કોના પોતાના નિષ્ણાતો અવઢવમાં હતા કારણ કે શહેરના તંત્ર પાસે તેના પ્રાચીન કિલ્લા, મસ્જિદો અને મજારોની રક્ષા માટે ભરોસાપાત્ર આયોજનનનો અભાવ હતો. 

ઉદાસીનતાના સંકેતો 

2019માં કરાયેલ એક સર્વેક્ષણમાં 30% સ્મારક સાથે ચેડા થયા હોય કે સંવેદનશીલ હોવાની ચિંતાજનક અહેવાલ મળ્યા બાદ, સ્થાનિક સ્તરે સંરક્ષણ પગલાંની દેખરેખ રાખતી સ્વતંત્ર સંસ્થા હેરિટેજ કન્ઝર્વેશન કમિટી (HCC) દ્વારા દ્વારા લાલબત્તી ધરવામાં આવી હતી કે શહેરને હેરિટેજ ટેગ ગુમાવવાની નોબત આવી શકે છે. 

તેમને જે જાણવા મળ્યું તે અહીં પ્રસ્તુત છે (જુઓ આંકડાકીય બોક્સ, DWINDLING હેરિટેજ). એએમસી હેરિટેજ વિભાગ દ્વારા મુલાકાત લેવામાં આવેલી 489 મિલકતોમાંથી 38 ઇમારતો તોડી પાડવામાં આવી હતી, 11 સ્થળો હવે ખાલી પ્લોટ છે, 50 કેસોમાં હેરિટેજ ઇમારતોમાં આધુનિક બાંધકામો જોડાઈ ગયા હતા અને 34 કેસોમાં ઇમારતો નબળી હાલતમાં હતી. 

પ્રારંભિક ચેતવણીઓ 

એની પહેલા પણ ચેતવણી આવી જ હતી. ગુજરાત હાઇકોર્ટમાં 2015ની જાહેર હિતની અરજી (પીઆઇએલ)માં સૌપ્રથમ વારસાની ઇમારતોને તોડી પાડવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સમારકામના બહાને આશરે 700 મકાનો પાડી નાખવામાં આવ્યા હતા અને 400થી વધુ મકાનો ધંધાદારી ઉપયોગમાં ફેરવાઈ ગયા હતા. 

ત્યારબાદ કોર્ટે આદેશ આપ્યો હતો કે, “શહેરના સમૃદ્ધ, સ્થાનિક સ્થાપત્યના અવમૂલનને અટકાવવા માટે AMCએ સખત કાર્યવાહી કરવી જોઈએ”. હકીકતે, 2013થી, AMCના હેરિટેજ સેલમાં સમારકામ માટે 60થી વધુ અરજીઓ આવેલ છે. કોટવિસ્તારમાં પાડી નાખવામાં આવતા મકાનોનો આ માત્ર એક નાનો અંશ છે.” 

નાશ પામતો જતો વારસો 

જેમનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનું બિરુદ રદ કરવામાં આવ્યું છએવી જગ્યાઓ “: 

1. લિવરપૂલ મેરીટાઇમ મર્કન્ટાઇલ સિટી – ઇંગ્લેન્ડ 

2. અરેબિયન ઓરિક્સ અભયારણ્ય – ઓમાન 

3. ડ્રેસ્ડેન એલ્બે વેલી – જર્મની 

અહીંથી એકાદ કિલોમીટર દૂર તમે માંડવીની પોળમાં પહોંચો તો ત્યાં ગ્રેડ 2 ટેગ (બોક્સ જુઓ) પામેલી 100 વર્ષ જૂની હવેલી મળશે. એક પગારદાર નોકરિયાત અતુલ પરીખે, થોડા વર્ષો પહેલા 22 રૂમની આ હવેલીનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. 

હેરિટેજ મકાનોનો જીર્ણોદ્ધાર જરૂરી બને છે. અમારે ત્યાં પાણી ગળતું હતું, દીવાલો પડી રહી હતી અને સ્વચ્છતા અંગે સમસ્યાઓ હતી. જ્યારે હું મારા ઘરનું નવીનીકરણ કરવા માંગતો હતો, ત્યારે મને ખબર ન હતી કે કોનો સંપર્ક કરવો. એકવાર મને AMCના હેરિટેજ વિભાગ વિષે ખબર પડી પછી હું ત્યાં ઓછામાં ઓછી 15 વાર ગયો. નવીનીકરણ માટે ભંડોળની તો વાત જવા દો , એમણે મારી વાત પણ સાંભળી નહીં. આ મારુ રહેઠાણ છે અને એમાં સમારકામની જરૂર હતી એટલે મેં જાતે જ સમારકામ કરાવી લીધું.  

પરીખને તેમના બાપદાદાઓનું આ ઘર પ્રિય છે. તેમના પરિવારના અન્ય સભ્યો સિંધુ ભવનના પોશ વિસ્તારોમાં રહેવા જતા રહ્યા પણ તેમણે એ જ્યાં પોતાની પત્ની સાથે વસવાટ કરે છે તે હવેલીની 18 લાખ રૂપિયા ખર્ચીને પણ સારસંભાળ રાખવાનું મુનાસીબ માન્યું. “અમને સરકાર તરફથી એક રૂપિયો પણ મળ્યો નથી, માત્ર હેરિટેજ ટેગ મેળવવા બદલ અભિનંદન મળ્યા છે.   

70 વર્ષ જૂની, ગ્રેડ 2-B ટેગ ધરાવતી ઢાલની પોળની હવેલીમાં એકે કાળે ત્રણ માળ અને આઠ રૂમ હતા. 2001ના ગુજરાત ભૂકંપ દરમિયાન એક માળ નીચે પડી ગયા બાદ હવે ત્યાં બે જ માળ છે. 

“ઉપરના માળના એકમાત્ર અવશેષરૂપે સીડીના બે પગથિયા બચ્યા છે. અમે તેને યાદગીરી તરીકે જાળવી રાખ્યું છે. અમે તેનું સમારકામ કરી શક્યા નહિ કારણ કે અમને સરકાર તરફથી માત્ર 10,000 રૂપિયા મળ્યા છે અને માત્ર ભંગાર સાફ કરાવવાની કિંમત જ 50,000 રૂપિયા ઉપર થઇ જાય છે. ઘરના સમારકામ માટે આપણે વધુ પૈસા કેવી રીતે ખર્ચ કરી શકીએ? હેરિટેજ વિભાગે લોકોને પૈસાની અપાવવાની ખાતરી આપી હતી, પરંતુ અમને કોઈ આશાહે દેખાતી નથી, ” તેમના પતિ સાથે અહીં રહેતા શિવાંગીબેન કહે છે. તેઓ મહિનાઓથી તેમના પૂર્વજોનું ઘર વેચવા પ્રયત્ન કરે છે, પરંતુ તેમને કોઈ ખરીદનાર મળતા નથી. 

પુનર્નિર્માણનો ખર્ચ  

જો સ્થાનિક રહેવાસીઓ તેમની પડી ભાંગેલી હેરિટેજ જગ્યાનું પુનર્નિર્માણ કરવા માંગતા હોય તો પણ તે એક દુઃસ્વપ્ન પુરવાર થાય છે. 

અમદાવાદ હેરિટેજનું સઘન કામ કરનારા મધીશ પરીખ કહે છે, “સંપત્તિને પુનર્સ્થાપિત કરવા માટે સ્થાનિક લોકો પાસે જરૂરી ભંડોળ નથીપ્રોટોકોલ પ્રમાણે તેમનણે પુનર્નિર્માણ માટે અરજી કરવી પડે , નાણાં ચૂકવવા પડે અને બાદમાં ખર્ચની ભરપાઈ કરવા માટે AMC સાથે ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (FSI) બોન્ડ માટે અરજી કરવી પડે. ટ્રાન્સફર ઓફ ડેવલપમેન્ટ રાઇટ્સ (ટીડીઆર) સર્ટિફિકેટ ધરાવતા લોકોને પ્રારંભિક તબક્કે 20% અને પુનર્નિર્માણ થયા પછી 80% રિફંડ મળે છે. આ વિષચક્ર અમદાવાદના વારસાને જીવતો રાખવામાં એક મસમોટી અડચણ છે.” 

વારસાનું વ્યાપારીકરણ 

આંગણામાં હિંચકો, લાકડાની જાળીઓ, ઝીણી કોતરણી અને 200 વર્ષનો ઇતિહાસ ધરાવતી ખાડિયાની હવેલીમાં મહેતા પરિવારની ચાર પેઢીઓ રહે છે. ફાર્માસ્યુટિકલ કંપનીના નિવૃત્ત એક્ઝિક્યુટિવ જગદીપ મહેતાએ 2004માં અમદાવાદના હેરિટેજ ડિપાર્ટમેન્ટ અને ફ્રેન્ચ સરકારની મદદથી તેમના પૂર્વજોના મકાનનું પુનર્નિર્માણ કરાવ્યું. તેમના માટે તેના બે માળના 12 ઓરડાની ગ્રેડ 2B હવેલીનું પુનર્નિર્માણ કરવું એ સમયે સરળ રહ્યું હતું , પરંતુ આ જ પ્રકારની કાર્યવાહીમાં આજે ઘણો સમય લાગી શકે છે. 

“જો કોર્પોરેશન અમને આમ જ કરશે, તો અમદાવાદનો વારસો નાશ પામશે . શહેરના કોટવિસ્તારમાં મનફાવે તેમ વ્યાપારીકરણ થવાના કારણે સ્ટોરરૂમ અને દુકાનોના ભાવમાં વધારો થયો છે. અમારા પડોશના ઘણા મકાનો માં કાં તો સ્ટોરરૂમમાં બની ગયા છે અથવા તો પડી ગયા છે,” જગદીપ જણાંવે છે. 

વારસાગત મિલકતના કારણે કૌટુંબિક વિવાદ 

અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટના ડિરેક્ટર, આશિષ ત્રંબડિયાનું માનવું છે કે, અમદાવાદમાં હજુ પુનર્સ્થાપન નવું છે અને તેના વચગાળાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું હોવાથી, આવા મુદ્દાઓ ઉભા થાય એ સ્વાભાવિક છે. 

તેમનું કહેવું છે કે બીજો સમસ્યા ઉભો કરતો મુદ્દો વારસાગત મિલકત પર કૌટુંબિક વિવાદોનો છે. “વારસાગત મિલકતના ભાગ પાડવા માટે સંતાનો વચ્ચે વિવાદો થાય છે. જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી નવનિર્માણ અટકી જાય છે. આવા કિસ્સાઓની સંખ્યા વધી રહી છે અને આખરે આવી મિલકતોનો જીર્ણોદ્ધાર કરવાનું રહી જાય છે. 

માનસિકતાની મરામત કરો, તે ઇમારતોમાં ઝળકશે! 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની હેરિટેજ કન્ઝર્વેશન કમિટીના આર્કિટેક્ટ અને માર્ગદર્શક દેબાશિષ નાયક, 1996માં અમદાવાદમાં પગ મૂક્યો ત્યારથી શહેરના વારસા માટે કાર્યરત છે. કલકત્તાના આ બંગાળી માને છે કે લોકો તેમની પાસે જે હોય તેની કદર કરતા નથી. 

“કોટવિસ્તારમાં 12,000થી વધુ ઇમારતો છે અને હેરિટેજનો મુદ્દો બહુઆયામી છે. સામાજિક સ્થળાંતર, વારસા વિશે જાગૃતિ, પુનર્નિર્માણ વગેરેને ધ્યાનમાં લેવાની જરૂર છે. શહેરમાં હેરિટેજ સમીક્ષા દર પાંચ વર્ષે થાય છે અને હેરિટેજ સ્મારકોને પુનર્જીવિત કરવા માટે તંત્રે સતત સજાગ રહેવાની જરૂર છે. ખરેખર તો લોકોની માનસિકતાની મરામતની જરૂર છે, તો હેરિટેજ ઇમારતોમાં એનું પ્રતિબીંબ પડશે જ. 

અમદાવાદ તેના હેરિટેજ ટેગને ગુમાવી રહ્યું છે તેના કરતાં વધુ ચિંતાજનક બાબત એ છે કે, અમદવાદ તેનો હેરિટેજ ગુમાવી રહ્યો છે. આ વાત કાને ધરનાર કોઈ છે? 

Your email address will not be published. Required fields are marked *