અમદાવાદના બોપલમાં ડ્રગનો વેપલો: વિદેશ ભણી આવેલા સમુદ્ધ યુવાનોના નીચ કરતુત

| Updated: November 23, 2021 11:33 am

શાંત અને સંસ્કારી શહેર અમદાવાદમાં રહીને, ધર્મભીરુ અને ગુનાખોરીથી આઘા ભાગનારાની છાપ ધરાવતા ગુજરાતીઓમાથી કેટલાક યુવાનો છેલ્લા બે વર્ષમાં 100 કિલો ડ્રગ મંગાવીને 10 કરોડ રૂપિયામાં વેચવાનો કાળો કારોબાર કરતા ઝડપાયા તેથી ચિંતામિશ્રિત દુઃખની ભાવના પેદા થઇ છે. ડાર્ક વેબ અને ઈન્ટરનેટના માધ્યમથી 300 જેટલા ડ્રગ કન્સાઇન્મેન્ટ મંગાવનાર આ ટોળકીના 27 જેટલા પાર્સલ હજુકે કાર્ગોમાં પડ્યા છે.

વિદેશોમાં અભ્યાસ કરેલા શિક્ષિત અને સમૃદ્ધ પરિવારોના યુવાનોના નામ ડ્રગકાંડમાં ખુલવાથી આઘાતની લાગણી ફેલાઈ છે. અમદાવાદ શહેરના પોશ વિસ્તાર બોપલમાં રહીને સફેદ વસ્ત્રોમાં કાળા કામ કરનાર વંદિત પટેલ,પાર્થ શર્મા, વીપલ ગોસ્વામી અને પરાતના નામ ડ્રગના કરોડોના ખરીદ વેચાણમાં ખુલ્યા છે.આ પૈકી વંદિત પટેલે સિંગાપુરમાં હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે જયારે વીપલે લંડનમાંથી એમબીએ કર્યું છે.

ભણેલા ગણેલા પણ ગુનેગાર માનસ ધરાવતા આ યુવાનોની ગુનાખોરીની પ્રવૃત્તિ વધારે ઘાતક હોય છે તે પુરવાર કરતા, વંદિતે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે એની ટોળકી એ ગુજરાત અને રાજસ્થાનમાં લાંબા સમય થી બંધ રહેતા 50 મકાન ટાર્ગેટ કર્યા હતા અને પોતાના ઘરે કે અન્ય પરિચિતના ઘરે ડ્રગની ડિલિવરી મંગાવવાના બદલે તે આવા મકાનનું સરનામું પસંદ કરતો હતો.

એટલું જ નહિ પરંતું, સાદા ગુનેગારોની રીત રસમ રસમની ઉપરવટ જઈને આ શાતીર ગુનેગારોએ નવા જમાનાની નવી ટેક્નિક શોધીને ડ્રગના કન્સાઇન્મેન્ટનું પેમેન્ટ ક્રિપ્ટો કરન્સીમાં કર્યું હતું. બીટકોઈન, લાઈટકોઈન તેમજ ઇથિરિયમ જેવી અલગઅલગ ક્રિપ્ટો કરન્સીમાં અત્યાર સુધી ચારેક કરોડની ચુકવણી થઇ હોવાનું બહાર આવ્યું છે.

વેદાંત અને એની ટોળકી વિદેશના એમના વસવાટ દરમ્યાન પરિચયમાં આવેલા સૂત્રો પાસેથી અમેરિકા, કેનેડા, લંડન અને ચીનથી કોકેન અને એમડી જેવા મોંઘા ડ્રગ પણ બબ્બે કિલો જેવી મોટી માત્રામાં મંગાવીને તેનો વેપાર કરી લેતા હતા. આ ઉપરાંત એમનો ડ્રગ સપ્લાય હિમાચલ અને મુંબઈ થી પણ થતો રહેતો હતો. આ ગુનેગારો, અમેરિકન ચરસ, હાઈબ્રીડ ગાંજો, શેટર તેમ જ મેજીક મશરૂમ સહિતના નશીલા પદાર્થો યુવાનોમાં વેંચતા હતા.

અવળા રવાડે ચડી ગયેલા આ યુવાનો મુંબઈ દિલ્હી જેવા મોટા શહેરોની મોંઘીદાટ હોટેલોમાં તથા પબમાં પાર્ટી કરવાના શોખીન થઇ ગયા હતા. જો કે તેમને ખરીદેલા મોંઘા કપડાં, મકાન, સોનુ અને કાર હવે સરકારી તપાસ એજન્સીની છાનબીન નીચે રહેશે.

Your email address will not be published. Required fields are marked *