સજા પુરી થયા પછી પણ રાષ્ટ્રીયતાની ઓળખનાં અભાવે પાકિસ્તાનની જેલોમાં સડતાં વિદેશી કેદીઓ

| Updated: May 19, 2022 11:52 am

પાકિસ્તાનની જેલોમાં રહેલા 17 વિદેશી કેદીઓ પૈકી 14 એક દાયકાથી વધુ સમયથી સડી રહ્યા છે, પરંતુ તેઓ કયા દેશનાં છે તે હજુ જાણી શકાયું નથી.આ કેદીઓમાં ચાર મહિલાઓ છે.
ગેરકાયદે રીતે સરહદ પાર કરવાના ગુનામાં નજીવી સજા કાપ્યા બાદ માનસિક રીતે વિકલાંગ આ કેદીઓની રાષ્ટ્રીયતા પુરવાર ન થતાં તેમને દેશનિકાલ કરી શકાતા નથી. ફેડરલ ઇન્ટિરિયર મંત્રાલયે ચાર મહિલાઓ સહિત 18 કેદીઓ વિશેની માહિતી આપવા જાહેર અપીલ કરી હતી.
એ જ રીતે ઈસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશને પણ પોતાની વેબસાઈટ પર કેદીઓની વિગતો મૂકી હતી અને ભારતનાં લોકોને, જો કોઇ ઓળખતાં હોય તો જાણ કરવા અપીલ કરી હતી.
જો કે ભારતીય સત્તાવાર સૂત્રોએ વોઇસપીકેને જણાવ્યું હતું કે એક કેદી, પોની શર્માના પુત્ર પ્લાન શર્માની 4 ફેબ્રુઆરી, 2013 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી, અને જે 20 માર્ચ, 2013 થી નજરકેદમાં હતો, તેને સજા પૂર્ણ થયા પછી ભારત પાછો મોકલવામાં આવ્યો હતો. ભારતીય સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, શર્મા એકમાત્ર એવા વ્યક્તિ હતા જેમની ભારતીય નાગરિક તરીકે ચકાસણી કરવામાં આવી હતી અને તે ઓગસ્ટ 2021માં પરત ફર્યો હતો, તેથી ભારતીય હાઇકમિશનની વેબસાઇટ પરનાં લિસ્ટમાં તેનું નામ નથી.
ફેડરલ ઇન્ટિરિયર મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં ગેરકાયદે પ્રવેશ માટે ફોરેનર્સ એક્ટ હેઠળ તેમને સજા સંભળાવવામાં આવી છે.
નોટિફિકેશનમાં જણાવાયું છે કે,તેઓ માનસિક રીતે વિકલાંગ છે અને તેમના દેશ અથવા પોતાની ઓળખ આપવામાં અસમર્થ છે. તેમની સજા પુરી થઇ ગઇ છે પરંતુ ઓળખના અભાવે તેમને દેશનિકાલ અથવા મુક્ત કરી શકાતા નથી. ઇન્ડિયન હાઇકમિશને મુકેલા લિસ્ટમાં અંદાજિત ઉંમર, રહેછાણનું સંભવિત રાજ્ય અને કેદીઓની ઓળખના ચિહ્નો વિશે થોડી વધુ વિગતો આપવામાં આવી છે.
જેમ કે એક મૂક-બધિર કેદીને લગભગ ૨૦ વર્ષથી પાકિસ્તાની જેલમાં નજરકેદ કરવામાં આવ્યો છે. 26 માર્ચ, 2002ના રોજ ધરપકડ કરાયેલા આ અનામી વિદેશી કેદીએ 27 જૂન, 2002ના રોજ ત્રણ મહિનાની સજા પૂરી કરી હતી, પરંતુ હજુ સુધી તેને મુક્ત કરાયો નથી.50 વર્ષની આસપાસનાં આ કેદીની ડાબી ભ્રમર પાસે કાળો તલ છે.
ખોવાયેલી ઓળખ
ઇન્ટિરિયર મંત્રાલયની વેબસાઇટ પર બે અલગ અલગ નોટિફિકેશનમાં, લોકોને આ વિદેશીઓ વિશે કોઈ પણ માહિતી હોય તો અધિકારીઓને આપેલા નંબર પર આપવા માટે કહેવામાં આવ્યું છે. જાહેરનામામાં માનસિક રીતે વિકલાંગ કેદીઓના ઉપનામો સાથેનાં ફોટા છે, જેઓ ભારતીય નાગરિકો હોવાનું માનવામાં આવે છે. નોટિફિકેશનમાં ધરપકડની તારીખ અને સજા પૂર્ણ થવાની તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનની જેલમાં બે મહિલાઓને 15 વર્ષથી વધુ સમયથી નજરકેદ કરવામાં આવી છે. માનસિક રીતે વિકલાંગ ચાર વિદેશી મહિલાઓમાં ધર્મની પુત્રી નકિયા નામની મહિલા સૌથી વધુ સમયથી પાકિસ્તાનમાં નજરકેદમાં છે. 30 એપ્રિલ, 2007ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી, 10 સપ્ટેમ્બર, 2007ના રોજ નકિયાની સજા પુરી થઇ ગઇ હતી.
ભારતીય હાઈ કમિશનની વેબસાઈટ મુજબ નાકીયા અથવા નકાયા કે જેને ‘નિકિયા’ અને ‘સીમા’ના ઉપનામોથી પણ ઓળખવામાં આવે છે તે ભારતના બિહાર રાજ્યની હોવાનું માનવામાં આવે છે અને તેમની ઉંમર લગભગ 45 વર્ષ છે. તેણીની ડાબી આંખની નજીક કલર પેચ છે, જેને ઓળખચિહ્ન તરીકે દર્શાવવામાં આવ્યું છે.
એસ્મા મસ્કન કે જેની 10 મે, 2007ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને 12 સપ્ટેમ્બર, 2007ના રોજ તેની સજા પૂરી થઈ હતી, તે ‘ભૈયા’, ‘દેવી’ અને ‘લક્ષ્મી’ના ઉપનામોથી ઓળખાય છે અને તેની ઉંમર લગભગ 34 વર્ષ છે. ભારતીય હાઇ કમિશનની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર તેના કપાળ પર વાગવાનું નિશાન અને ગળા પર તલ છે.
અન્ય બે મહિલાઓમાં અસ્મોલાની પુત્રી અજીરાનો સમાવેશ થાય છે, જેની 13 મે, 2009ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તેણે 22 માર્ચ, 2009 સુધી સજા ભોગવી હતી, અને નંદરાજની પત્ની ગુલો જાન, જેની 17 ઓક્ટોબર, 2011 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી ત્રણ મહિનાની સજા પૂરી થયા પછી પણ તે જેલમાં છે. ભારતીય લિસ્ટમાં અજીરાનું નામ ‘અજમીરા’ અને “અજબીરા” તેમજ ‘અજીરન’ ઉપનામો સાથે મુકવામાં આવ્યું છે. તે લગભગ ૩૦ વર્ષની છે અને ભારતના પશ્ચિમ બંગાળની છે. તેના ઓળખચિહ્ન તરીકે તેનો નીચલો હોઠ જાડો છે તેવો ઉલ્લેખ કરાયો છે.
દરમિયાન, પુરુષ કેદી ઇસ્મો મસ્કનને 23 જાન્યુઆરી, 2004ના રોજ સજા પૂરી થવા છતાં પાકિસ્તાનમાં 18 વર્ષ સુધી નજરકેદ રાખવામાં આવ્યો છે. 34 વર્ષીય ઇસ્મોની 24 ડિસેમ્બર, 2003ના રોજ બોર્ડર ક્રોસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
બુરહાન રેડીના પુત્ર સિલોરાફ સલીમની 23 જુલાઈ, 2009ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને 9 જાન્યુઆરી, 2010ના રોજ સજા પૂરી થયા બાદથી તેને પાકિસ્તાનની જેલમાં નજરકેદમાં છે. તેના અન્ય ઉપનામો ‘શેખ સલીમ’, ‘શેખ સલીમ’ અને ‘સિલરોફ સલીમ’ છે. તે મધ્યપ્રદેશ રાજ્યના ખંડવા જિલ્લાના ભરમપુરનો રહેવાસી હોવાનું કહેવાય છે. 41 વર્ષીય આ કેદીનાં જમણા ઉપલા હોઠ પર કટનું નિશાન છે.
ચનીનવાન ઉર્ફે ચલાન વાનના પુત્ર કિશ્વા ભગવાનની 7 એપ્રિલ, 2010ના રોજ ધરપકડ કરવામાં આવી હતી, જેણે 7 જુલાઈ, 2010ના રોજ સજા પૂરી કર્યા બાદ લગભગ 12 વર્ષ નજરકેદમાં વિતાવ્યા હતા. 40 વર્ષના આ વ્યક્તિના નાક પર લાઈટ પેચનું નિશાન છે.
નાન ચંદર પાલના પુત્ર રૂપી પાલની 3 ફેબ્રુઆરી, 2010ના રોજ ગેરકાયદેસર સરહદ પાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ‘રોપી પોલ’ અને ‘રૂપી પોલ’ તેના અન્ય ઉપનામો છે. તેના પિતાના ઉપનામનો ઉલ્લેખ ‘મન ચંદ્ર પોલ’ તરીકે થાય છે. તે ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના નાદિયા જિલ્લાના મડિયાકલ્યાની ગામનો રહેવાસી હોવાનું માનવામાં આવે છે. 31 વર્ષીય વ્યક્તિના જમણા કાનની પાછળ તલ છે.
માસ્ટર કુલ્લા ઉર્ફે ‘માસ્ટર કલા’નો પુત્ર બિપ્લા ભારતના ઉત્તર પરદેશી રાજ્યનો રહેવાસી હોવાનું કહેવાય છે. 35 વર્ષીય આ કેદીનાં ‘બિલ્લા’ અને ‘બેઇલા’ ઉપનામ છે અને તેની ડાબી હડપચી પર કટ માર્ક છે.
બાબૂ રોયનો પુત્ર રાજુ રોય ભારતના બિહાર રાજ્યનો રહેવાસી હોવાનું મનાય છે. તેની ડાબી ભ્રમર પાસે કટ માર્ક છે. તેને ‘રાજુ રાય’ અને ‘જય પ્રકાશ’થી પણ ઓળખવામાં આવે છે. રાજુ 46 વર્ષનો છે અને તેની ડાબી આંખની ભમર પાસે કટનું નિશાન છે. 19 જુલાઈ, 2010ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી અને 29 માર્ચ, 2011થી તેને નજરકેદમાં રાખવામાં આવ્યો હતો.
મુર્તાશના પુત્ર હામિદની 13 ફેબ્રુઆરી, 2009ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. 45 વર્ષીય હામિદના નાકની ડાબી બાજુ કાળો તલ છે. તેણે ગેરકાયદે સરહદ પાર કરવા બદલ 13 ફેબ્રુઆરી, 2010ના રોજ એક વર્ષની કેદની સજા પૂરી કરી હતી.
13 માર્ચ, 2015ના રોજ વધુ એક અજાણ્યા વિદેશીની ગેરકાયદે સરહદ ક્રોસિંગ બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેણે 4 જાન્યુઆરી, 2017ના રોજ પોતાની સજા પૂરી કરી હતી. આ વ્યક્તિની ઉંમર 30થી 35 વર્ષની વચ્ચે છે.
શેરી ભાગવતનનો પુત્ર શામ સુંદર ઉર્ફે ગુંગા બેહરા પણ મૂક-બધિર છે. 27 માર્ચ, 2011ના રોજ ગેરકાયદેસર બોર્ડર ક્રોસિંગ માટે ધરપકડ કરવામાં આવ્યા બાદ તેણે લગભગ 10 વર્ષ નજરકેદમાં વિતાવ્યા છે. તેણે 7 એપ્રિલ, 2012ના રોજ પોતાની સજા પૂરી કરી હતી. 34 વર્ષીય કેદી ભારતના બિહાર રાજ્યના સહરસા જિલ્લાના ઇસ્લામપુરનો રહેવાસી હોવાનું માનવામાં આવે છે. તેના ઉપરનાં દાંત મોટા છે.
સેમ્યુઅલનો પુત્ર રાજુ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના બુલાઘાટા રેલ સ્ટેશન નજીક રાયપરા ગામનો રહેવાસી હોવાનું કહેવાય છે. 25 વર્ષના આ યુવકના જમણા ગાલ પર નાનો તલ છે. 24 જાન્યુઆરી, 2015ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેણે 29 સપ્ટેમ્બર, 2015ના રોજ આઠ મહિનાની જેલની સજા ભોગવી હતી.
સ્વામીના પુત્ર રમેશ ઉર્ફે મદ્દુર રમેશની 6 ડિસેમ્બર, 2013ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. 30 વર્ષીય આ વ્યક્તિ ભારતના ગુજરાત રાજ્યના પોરબંદરનો રહેવાસી હોવાનું મનાય છે. તેની ગરદનની જમણી બાજુ તલ છે. રમેશે 27 માર્ચ 2014ના રોજ પોતાની સજા પૂરી કરી હતી.
ગોડાના પુત્ર રાજુ ઉર્ફે લિટ્ટનની 18 ઓગસ્ટ, 2012ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેણે 17 નવેમ્બર, 2012ના રોજ પોતાની સજા પૂરી કરી હતી. ભારતીય હાઈ કમિશનની વેબસાઈટ પર માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓની યાદીમાં તેનું નામ નથી.  
કોન્સ્યુલર એક્સેસ જરુરી
જતીન દેસાઈ કહે છે, કોન્સ્યુલર એક્સેસ પ્રથમ ત્રણ મહિનાની અંદર જ આપી દેવી જોઈએ, જેથી સરકારો તેમની કસ્ટડીમાં રહેલા તમામ લોકો વિશે સત્તાવાર રીતે માહિતીની આપ-લે કરી શકે, જેમને બીજી બાજુના નાગરિક માનવામાં આવે છે. કોન્સ્યુલર એક્સેસમાં ધરપકડની તારીખ, જે આરોપો હેઠળ તેમને જેલમાં મોકલાયા હાય તેની વિગત, તેમના કોન્સ્યુલર એક્સેસ સ્ટેટસ અને કેસની સ્થિતિનો સમાવેશ થાય છે.
જતીન દેસાઈ એક ભારતીય પત્રકાર અને પિસ એકટિવિસ્ટ છે, જે સરહદ પારના કેદીઓ માટે કામ કરે છે અને તેઓ પીઆઈપીએફપીડી (પાકિસ્તાન-ભારત પીપલ્સ ફોરમ ફોર પીસ એન્ડ ડેમોક્રેસી) સાથે સંકળાયેલા છે. જેની સ્થાપના માનવાધિકારના દિવંગત નેતા આઈ.એ.રહેમાને કરી હતી.દેસાઈ એ સ્પષ્ટ કરે છે કે એક પરિવાર માટે, જેની સરહદ પારથી ધરપકડ કરવામાં આવી હોય તેવા  સંબંધીને શોધવા એક પડકારજનક કામ છે. તેમનું કહેવું છે કે શરૂઆતમાં ગુમ થયેલા પરિવારના સભ્યો વિશે માહિતી મેળવવા માટે કોઈ વ્યવસ્થા નહોતી, જેમની બીજાના વિસ્તારમાં ધરપકડ કરવામાં આવી હોઈ શકે છે. કેટલીકવાર પરિવારો એવા સભ્યોથી અજાણ હોય છે કે જે સરહદ પાર કરી ગયા હોય અથવા વિઝાની મુદત કરતાં વધારે સમય રોકાઈ ગયા હોય અને ધરપકડ કરવામાં આવી હોય. જો કે કરાર પર હસ્તાક્ષર થયા પછી હવે સ્થિતિ બદલાઇ છે.
બંને દેશો વચ્ચે વધુ સારા સંબંધો વિકસાવવા માટે કોન્સ્યુલર એક્સેસ પર 21 મે, 2008ના રોજ સમજૂતી કરવામાં આવી હતી. તેની અન્ય બાબતોમાં તેમાં કેદીઓ વિશેની માહિતી શેર કરવાનો સમાવેશ થાય છે.
દેસાઈ કહે છે કે, એવી કલમ છે કે બંને દેશો ધરપકડના ત્રણ મહિનાની અંદર કોન્સ્યુલર એક્સેસ આપશે.જોકે તેમાં હંમેશાં વધારે સમય લાગે છે. આ સજા પાસપોર્ટના ઉલ્લંઘન અથવા સરહદ ઓળંગવા માટે માત્ર ત્રણ મહિનાની છે. પરંતુ કોર્ટની કાર્યવાહીમાં લાંબો સમય લાગતો હોવાથી, તે મામલો બંધ થાય તે પહેલાં સામાન્ય રીતે એક કે બે વર્ષ લાગી જતાં હોય છે.
લેખિત કરાર છતાં મોટાભાગના કિસ્સાઓમાં, કોન્સ્યુલર એક્સેસમાં વિલંબ થાય છે. દેસાઇ કહે છે કે, કરારમાં એક ખામી પણ છે કે રાષ્ટ્રીયતાની પુષ્ટિ કેટલા દિવસમાં થવી જોઈએ તેનો કોઈ ઉલ્લેખ નથી. જો કેદી માનસિક રીતે વિકલાંગ હોય તો તે વધુ મુશ્કેલ બને છે.આવા કિસ્સામાં સંબંધિત સરકારે દેશના મુખ્ય મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફ્સ સાથેની માહિતી મુકવી જોઇએ,જેથી તેમના સંબંધીઓ તેમને ઓળખી શકે.
દરમિયાન ભારતીય સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય અધિકારીઓને પાકિસ્તાનની જેલોમાં માનસિક રીતે વિકલાંગ આ કેદીઓને કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવી હતી, પરંતુ તેઓ તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સ્થિતિને કારણે તે ભારતીય નાગરિકો છે કે નહીં તેની ચકાસણી કરી શક્યા ન હતા. સૂત્રનું કહેવું છે કે, ભારત સરકારે પાકિસ્તાનને આ વિદેશી કેદીઓની તપાસ માટે ભારતીય તબીબી નિષ્ણાતોની મુલાકાતની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ હજી સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.
એ જ રીતે, નવી દિલ્હીએ પણ માનવતાના ધોરણે વૃદ્ધ કેદીઓની મુક્તિ માટે કેદીઓ પરની ભારત-પાક જ્યુડિશિયલ કમિટી પુનર્જીવિત કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. આ કમિટીની રચના 2007માં આવા કેદીઓને કાનૂની અને માનવતાવાદી ટેકો આપવા માટે કરવામાં આવી હતી. પરંતુ 2013થી તેની બેઠક મળી નથી. તેમાં બંને પક્ષે નિવૃત્ત ન્યાયાધીશોનો સમાવેશ થતો હતો.
સૂત્ર કહે છે, નવી દિલ્હીએ કેદીઓની દુર્દશા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને બંને દેશો આ માનવતાવાદી મુદ્દા પર સાથે મળીને કામ કરે તેવી વિનંતી કરી છે.
ભારતીય સત્તાવાર સૂત્રોએ ઉમેર્યું હતું કે, મે 2022 સુધીમાં, ત્રણ ભારતીય નાગરિકોએ તેમની સજા પૂરી કરી લીધી છે. તેમની રાષ્ટ્રીયતાની ચકાસણી કરવા છતાં તેમને દેશનિકાલ કરવામાં આવ્યા નથી. પાકિસ્તાનની જેલમાં કેદ 652 ભારતીય માછીમારોમાંથી, 335એ તેમની સજા પૂરી કરી લીધી છે પરંતુ તેમને ભારત પાછા મોકલાયા નથી.
દરમિયાન, જાન્યુઆરી 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે નાગરિક કેદીઓ અને માછીમારોની વિગતોની કરાયેલી આપ-લે અનુસાર, ભારતમાં હાલમાં 282 પાકિસ્તાની નાગરિક અને 73 માછીમાર કેદી છે.
આ પરિસ્થિતિ અમાનવીય છે અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના નાગરિક અને રાજકીય અધિકારો પરના આંતરરાષ્ટ્રીય કરાર’ના અનુચ્છેદ 12(4)નું ઉલ્લંઘન કરે છે: બંને દેશો તેનું પાલન કરી રહ્યા નથી.દેસાઈના જણાવ્યા અનુસાર, સરહદ પારના કેદીઓના કિસ્સામાં પણ અગાઉ વચનો આપવામાં આવ્યા છે, જેમાં 2015ના ઉફા ઘોષણાપત્ર અને 2016માં હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સનો સમાવેશ થાય છે.બંને પક્ષો સ્વીકારે છે કે આ મુદ્દાને માનવતાવાદી અભિગમ દ્વારા જોવાની જરૂર છે. કેદીઓ તેમનાં પરિવાર પાસે પાછા ફરે તે માટે બંને સરકારોએ પ્રયાસ કરવો જોઈએ.

Your email address will not be published.