નવી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર  સકસેનાનું ગુજરાત સાથે શું છે જોડાણ?

| Updated: May 25, 2022 1:52 pm

અમદાવાદઃ તાજેતરમાં નવી દિલ્હીમાં નીમાયેલા નવા લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સકસેનાના ભાજપ સાથેના સંબંધોની તો બધાને ખબર હશે જ, પરંતુ ગુજરાત સાથેના તેમના જોડાણની કોઈને ભાગ્યે જ ખબર હશે. તેમના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધના મૂળ છેક ગુજરાતમાં છે.

કાનપુરમાં જન્મેલા વિનયકુમારે રાજસ્થાનમાં જેકે સિમેન્ટના પ્લાન્ટમાં 1984થી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો, અહીં તેમણે જબરજસ્ત કામગીરી બજાવતા તે 2012માં જેકે ગ્રુપ અને અદાણી જૂથના સંયુક્ત સાહસ ગ્રીનફિલ્ડ ધોલેરા પ્રોજેક્ટના ચેરમેન તરીકે નીમવામાં આવ્યા હતા.

ધોલેરા પોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે તેમના પ્રિય પ્રોજેક્ટમાં એક હતો. તેમા વિનયકુમારની કામગીરીથી પ્રભાવિત થતા મોદીએ વડાપ્રધાન બન્યા પછી તેમની 2015માં ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી (કેવીઆઇસી)ના ચેરમેન તરીકે નિમણૂક કરી હતી. તેમની આગેવાની હેઠળ કેવીઆઇસીએ 248 ટકાની જબરજસ્ત વૃદ્ધિ નોંધાવી છે અને આ સમયગાળા દરમિયાન પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 40 લાખ જોબ સર્જી છે.

કાનપુરમાં જન્મેલા 63 વર્ષીય સકસેનાએ ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલનું સ્થાન લીધું છે. તે આ હોદ્દા માટે પસંદગી પામેલા સૌપ્રથમ કોર્પોરેટ છે. તે 1981માં કાનપુર યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા અને પાયલોટ લાઇન્સ પણ ધરાવે છે.

અમદાવાદ સ્થિત એનજીઓ નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝ (એનસીસીએલ)માં કામ કરવા દરમિયાન સકસેના ભાજપની નજીક આવ્યા હતા. તેમણે અહીં ગુજરાત સરકાર વતી મેધા પાટકરની આગેવાની હેઠળ બે દાયકા સુધી ચાલેલા નર્મદા બચાવો આંદોલનના માનવ અધિકાર સામે કામ પાર પાડ્યુ હતું. મેધા પાટકરની આગેવાની હેઠળના આ આંદોલને સરદાર સરોવર બંધ સામે બે દાયકા સુધી લડત લડી હતી.

ભાજપના ઉચ્ચકક્ષાના વર્તુળોએ જણાવ્યું હતું કે સક્સેના પહેલા 1990ના દાયકામાં કેશુભાઈની આગેવાની હેઠળની ભાજપ સરકારના સંપર્કમાં કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આવ્યા હતા.  તેના પછી એનસીસીએલે સુપ્રીમ કોર્ટમાં કરેલા કેસમાં આરોપ મૂક્યો હતો કે મેધા પાટકરે વિદેશી ભંડોળ પેટે મેળવેલી 50 ટકા રકમ નક્સલવાદગ્રસ્ત બસ્તરમાં મોકલી હતી. આ પિટિશન આગળ વધી તે પહેલા આ અહેવાલ તે સમયના કેન્દ્રીય ગૃહપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને મોકલાયો હતો. જો કે આ અહેવાલ મેધા પાટકર સમક્ષ પણ લીક થઈ જતા તેણે એનસીસીએલ પર બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. તેના વળતા જવાબરૂપે તેઓએ પણ મેધા પાટકર સામે કેસ દાખલ કર્યો હતો. આ કેસ હાલમાં વિવિધ કોર્ટમાં ચાલી રહ્યો છે.

સકસેનાની સૌથી મોટી સફળતા હોય તો તે સાવ કોરાણે મૂકાઈ ગયેલા ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રી મિશનને ધમધમતુ કરવાનું છે. એક સમયે માંડ વીસ કરોડનું ટર્નઓવર ધરાવતું ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન (કેવીઆઇસી)નું ટર્નઓવર 2020-21ના નાણાકીય વર્ષના અંતે 1,15,000 કરોડથી પણ વધી ગયુ છે, આ ટર્નઓવર 2014-15માં મોદી સરકારે કાર્યભાર સંભાળ્યો ત્યારે લગભગ 32 હજાર કરોડનું હતું. આમ કેવીઆઇસીના ટર્નઓવરમાં છેલ્લા આઠ વર્ષમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે.

સક્સેનાએ અહીં ખાદી અને વિલેજ ઉદ્યોગમાં કરેલા પ્રયોગ સફળ રહ્યા હતા. તેમણે પહેલી વખત ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં હની મિશન, કુંભાર સશક્તીકરણ યોજના, લેધર આર્ટિસન્સ જેવી કેટલીય મહત્વની યોજનાઓ શરૂ કરી હતી. આના લીધે નીચલા સ્તરે મોટાપાયા પર રોજગાર સર્જન કરવામાં મદદ મળી છે. તેમના આ સફળ પ્રયોગોના લીધે કેવીઆઇસી આજે ભારતની મોટી કંપની બની ગઈ છે. આમ કેવીઆઇસીની કામગીરી ભારતની અગ્રણી એફએમસીજી કંપની જેવી બની ગઈ છે. 2016થી 2022 દરમિયાન સકસેનાને દર વર્ષે એમ્પાવર કમિટી ફોર ઇવેલ્યુએશન ઓફ પ્રાઇમ મિનિસ્ટર્સ એવોર્ડ ફોર એક્સીલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

મે 2008માં સકસેનાને યુનેસ્કો, યુનિસેફ અને યુએનડીપીના સહયોગમાં યુનાઇટે નેશન્સ ડિકેડ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (અનડીડ)નો ગુજરાતમાં આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રિબ્યુશન ટુ એન્વાયર્નમેન્ટ પ્રોટેકશન એન્ડ વોટર સિક્યોરિટીમાં જબરજસ્ત પ્રદાન બદલ એવોર્ડ મળ્યો છે.

Your email address will not be published.