સુરતમાં કામવાળી બાબતે ઝગડો થતા પત્નીએ કર્યો આપઘાત

| Updated: November 25, 2021 10:06 am

સુરત શહેરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના સિટીલાઇટ વિસ્તારમાં પત્નીએ પતિ સાથે કામવાળી રાખવા બાબતે ઝઘડો થતા આપઘાત કરી લીધો હતો. નોંધનીય છે કે, આ દંપતીની બે મહિનાની પુત્રી પણ છે. પત્નીએ પતિને કામવાળી રાખવા કહ્યું પરંતુ પતિએ ના પાડતા તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જેનાથી કંટાળીને પત્નીએ એપાર્ટમેન્ટના ચોથા માળે ધાબેથી પડતું મૂકીને જીવન ટૂંકાવી લીધું હતુ. હાલ આ અંગે ખટોદરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સિટીલાઈટ વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે મહાવીર એપાર્ટમેન્ટમાં રહેતા એન્જિનિયર અંકુર પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓ પોતાની પત્ની અને 2 મહિનાની પુત્રી સાથે રહેતા હતા. તેમની પુત્રી હેરાન કરતી હોવાથી અંકુરના પત્ની સોનમ ઘરકામ માટે કામવાળી રાખવા અવાર નવાર કહેતા હતા. પરંતુ, અંકુર કામવાળી રાખવાની ના પાડતા હતા. જે બાબતે પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. આ દરમિયાન મંગળવારે બપોરે સોનમે એપાર્ટમેન્ટના ચોથા માળેથી પડતું મુક્યું હતું.

ચોથા માળેથી સોનમ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેનો ભાઇ અમિત તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબે સોનમને મૃત જાહેર કર્યા હતા. જોકે બનાવની જાણ થતા ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં કામવાળી રાખવા બાબતે પતિ પત્ની વચ્ચે થતા ઝઘડાના કારણે સોનમબેને આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.

Your email address will not be published. Required fields are marked *